Saturday, April 16, 2022

ગામડું પાંગત

"પંગત" ગામડાની વિસરાયેલી એક પરંપરા 
********************************
          "અલ્યા દાળ આબ્બા દો આ ખૂણામોં..."
          "એ.. હા.. કુને જોવતી'તી દાળ..?"
          "પેલી લેણમોં શાક ફેરવો લ્યા..."
      .   "અે..ભઈ.. હળવો હેંડ.. કમંડળમોં થી દાળ સલકાય સે.."
          "આ બાજુ લાડવાની તાસ લાવો લ્યા.. મે'મોન ભૂખ્યા નો રે'વા જોવે હોં કે.."
          "આટલો.. એક લાડવો તો લેવો જ પડસે તમારે.."
          "ના હોં.. હવે લગ્ગીરે નઈ ઉતરે.. પોટ્ટા જેવા થઈ જ્યા ઈયાર.. બસ.. બસ.."
            "અંમ્મ્... હં.. ઈમ ચાલતુ હસે ઈયાર.. ? અડધો લાડવો તો લેવો જ પડે. લેણ ના તોડાય.."
            "ના હોં.. સોગનથી હવે નઈ ઉતરે..ના.. ના.."
             "અલ્યા, એ તો ના પાડે.. પકડજો બે હાથ.. ખવરાય લ્યા તુ તારે.."
      *******************
            આ..હા... હા... શું પંગત જામી હોય..! આવાં વાક્યો લગભગ દરેક પંગતમાં સાંભળવા મળે, મળે ને મળે જ.. પંગતની આ ખરી મોજ હતી. 
              "પંગત" એટલે સમૂહમાં કતારબંધ જમવા બેસવું. પરંતુ આ જમણવાર શરૂ થાય એ પહેલાંની તૈયારીઓ પણ ગજબની હોતી. 
               અગાઉના દિવસથી જ મહોલ્લો, વાડી કે એવી કોઈ મોટી જગ્યામાં વ્યવસ્થા કરવામાં આવતી. સીધું-સામાન પહોંચી જાય પછી સાંજથી જ વાડીમાં ચહલપહલ વધી જાય. કારણ - રસોઈ બનાવવાની તૈયારીઓ. 
             હા. પહેલાં આજની જેમ રસોઈયો આખી મંડળી લઈને ના આવતો. એ એકલો જ એનાં ઓજારો સાથે આવે. બાકીનું કામ કુટુબીજનો અને મહોલ્લાના પડોશીઓ સાથે મળીને કરતા. 
                રાત પડે એટલે ચૂલા સળગે. લાકડાં જાડાં કે હવાયાં હોય એટલે સૌ પહેલાં તો આખી વાડી ધૂમાડાના ગોટેગોટાથી ભરાઈ જાય.  તો પણ આંખો ચોળતાં ચોળતાં અડગ રહીને કામ કરવાનું. 
              અલગ અલગ ટુકડીઓ પાડીને કામની વહેંચણી થઈ જાય. કોઈ શાકભાજી સુધારે, કોઈ લસણ ફોલે, કોઈ સૂરણ, મરચાં ઠીક કરતું હોય. બાળકો ઉત્સાહમાં વાસણો સાફ કરીને ગોઠવતાં હોય. એક ખૂણામાં ભાભલાઓની સભા જામી હોય. ચા, પાણી અને બીડીઓ ઉપર બીડીઓ ખેંચાતી હોય, સાથે સાથે અગાઉના પ્રસંગોમાં બનેલી સારી-નરસી ઘટનાઓની વાતો થતી હોય. હસીમજાક અને ગમ્મતનો પાર ના આવે.
            સૌથી પહેલાં તો મીઠાઈ બનાવવાનું કામ ચાલે. ખાસ કરીને લાડુ જ હોય. લાડુ માટે પહેલાં ઠેઠાંને તેલમાં તળવાં પડે. પછી એને ભાંગવાનાં. આજની જેમ મિક્સર નહોતાં. એટલે યુરિયા ખાતરની થેલીઓ ધોઈને સાફ કરી રાખી હોય. એમાં ઠેઠાં ભરીને એકજણ મોંઢિયું પકડી રાખે. પછી એ થેલીને પથરા ઉપર રાખીને બે જણા સામસામે ધોવાના ધોકા વડે મંડી પડે. ધબ્બ ધબ્બ ધબ્બ ધબાકાથી વાડી આખી ગાજતી હોય. એમાંય ધીબાકા દેનારાને શૂરાતન માતું ન હોય. આવા સમયે ભૂલથી પણ બે ધોકા સામસામે સહેજ પણ ટકરાઈ જાય તો લાકડાના ધોકામાંથી પણ તણખા ઝરતા. 
             વાડીમાં રાત્રે નાસ્તા માટે ભજીયાં બનાવવામાં આવે. કડાઈમાં તળાતાં ભજીયાંની સુગંધ ચારેબાજુ ફેલાય એટલે આઘાપાછા થયેલા "કામચોરો" પણ રસોડા પાસે ટોળે વળવા માંડે. જેવો પહેલો ઘાણ ઉતરે એટલે શરૂઆત એ જ લોકો કરે. કામ કરનારા પાછળ રહી જાય. એવા માણસો સૌથી પહેલાં ચાખે, ખાય અને એક બે ખોડ તો કાઢે જ.. 
            "થોડી મેથી ઓછી પડી.."
             "ઓમ તો બધુ બરોબર સે પણ અંદરથી થોડા કાચા રયા સે."
             "રસોઈયો શીખઉ લાગે સે લ્યા.. લોટમોં ખારો વધારે નોંખી દીધો સે.."
              આમ છતાં રાત્રે બધા ભેગા મળીને ગોટા ને મરચાં ઝાપટવાની જે મજા પડતી એની તો શી વાત કરવી. અમુક તો રીતસરના હરીફાઇમાં ઉતરે. એમાંને એમાં બે-ત્રણ દિવસનો પૂરવઠો ભેગો કરી લેતા. પછી ભલેને સવારે ડબલાં ઉપર ડબલાં ભરવાં પડે. હા, જાજરૂની વ્યવસ્થા નહોતી ને એટલે ડબલું જ એક હાથવગું હથિયાર હતું. 
               રાત્રે મોટા ભાગનું કામ પતી જાય. પછી સવારે વળી પાછા વાડીમાં મેળાવડો ભેગો થાય. પીરસવાવાળાની ટુકડીઓ પડે. દાળ, ભાત, શાક, ફુલવડી વગેરે માટે માણસ જોઈને કામ સોંપવામાં આવે. એમાંય લાડુ માટે  તો ખાસ માણસોની પસંદગી કરવામાં આવે. ચર્ચા વિમર્શ કરવામાં આવે. 
               "ઈમ કરો, લાડવામોં રઘો અને શંભુ એ બે જણાને રાખો. ઈમને ફાવટ સે કાયમથી. "
               "ના લ્યા, શંભુ થોડો મોળો પડસે. અંબારોમ ચાલસે..શંભુને હમણાોં ઠીક નહી રે'તું પાસું.. "
               "હા..એ બરોબર. અંબારોમ ને રઘો બે જણા કંપલેટ કરો. બે જણા ફાઈનલ હેંડો.."
                અને આમ લાડુ પીરસનારા પણ નક્કી થઈ જાય. એક ટુકડી રસોડામાંથી બધું ભરી આપવા ખડેપગે હોય. પંગતમાં કોઈને શું જોવે છે, શું ખૂટે છે, એ તપાસવા માટેના પણ સ્પેશ્યાલિસ્ટો હોય. પાંચ-સાત જણા એવા તો પહેલાંથી જ નક્કી હોય. નાનાં છાકરાં પોતાની રીતે પાણીની ડોલો જ બોટી લે. એમનું કામ પાણી આપવાનું.
              ટુકડીઓ, વાસણો, પાથરણાં બધું જ રેડી થઈ જાય. પછી મહેમાનો આવવાનું ચાલુ થાય. 
             "એ.. રોમ રોમ જોઈતાભઈ.. આવો .. આવો.. "
             "રોમ રોમ ભિખાભઈ. ચમ સો તમે..?"
             "એકદમ મજામોં હોં. તમે બોલો.. ચમ સો.. ? તબિયત પોણી ઠીક સે ને..?"
            "તબિયત તો એકદમ ઘોડા જેવી હોં. આ ઉભા જોવો.પસી સુ થાય એ ભગવોન જોણે.."
              જેમ જેમ મહેમાનો આવતા જાય તેમ એક-બીજાને હાથ મિલાવીને રામ રામ કરતા જાય અને ખબરઅંતર પૂછતા જાય. પછી જેને જ્યાં ઠીક લાગે ત્યાં લાઈનમાં ગોઠવાતા જાય. લાઈનોની જગ્યા પૂરી ભરાઈ જાય એટલે બહાર સ્ટોપ કરવાવાળા પણ ઉભા હોય. વાડીની જાળી આડી કરીને કે હાથ આડા કરીને બાકીનાને પંગત પૂરી થાય ત્યાં સુધી બહાર સ્ટોપ કરી દેવામાં આવે. 
               ત્યારબાદ કામ ચાલુ થાય પીરસવાનું. બે ટુકડીઓ પોતપોતાની વસ્તુઓ લઈને બન્ને લાઈનમાં નીકળી પડે. સૌથી પહેલાં લાડુ હોય. પછી શાક, ફુલવડી, દાળ વગેરે હોય. ભાતનો વારો તો છેલ્લે આવે. 
              લાડુ પીરસનારો હોંશિયાર હોય. જમનારનું મોંઢું જોઈને જ સમજી જાય કે અહીંયા કેટલું ખપશે. અને એ પ્રમાણે એક, બે કે ત્રણ લાડુ ભાણાંમોં મૂકતો જાય. પીરસવાની ઝડપ પણ ગજબની હોય. 
               પંગતમાં ધ્યાન રાખનારા પાછા સૂચનાઓ આપતા જાય-
              "ઈ બે મેલ બે.. મેલ તુ તારે.. એ તો ખપી જસે..આવડા મોટા શરીરમોં બે કોય ના કેવાય લ્યા."
               "આ લેણમોં ફુલવડી નહી આઈ લ્યા.. ચો જ્યો ફુલવડીવાળો.. ઓય.. એ પકલા.. ઓયકણ ફુલવડી લેતો આય.."
              "અલ્યા સોકરો, પોણી ઢળે ના હોં કે.. હાચવી હાચવી ને આલજો.. શોંતિથી.."
              "દાળવાળા બેય જણા હંગાથ નો ફરો લ્યા.. ચેડ્યા-મોર દોઢ પાડી દયો.. એક જણો પેલી મકાથી આલતો આલતો આય લ્યા.."
              પંગતનો જમણવાર બરાબરનો જામ્યો હોય. એય ને દાળના સબડકા બોલતા હોય.. લાડવાનું બટકું ને શાકનું પીતું ભેગું કરીને મોંમાં મમળાવતા હોય.. મીઠી વાતોચીતો થતી હોય.. બધા મોજથી જમતા હોય... એ દ્રશ્ય પણ જોવા જેવું હોય હોં...
               અડધા ઉપર જમણવાર પતે એટલે ભાત પીરસવાનું ચાલુ થાય. પાછળ ને પાછળ લાડવાની તાસ ફરતી હોય. પ્રેમથી જમાડવાની પરાકાષ્ઠા અહીં જોવા મળે. વડીલો એક પછી એક એમ તમામને લાડુ સીધો મોંમાં જ મૂકતા આવે. કોઈપણ જાતની આનાકાની અહીં ચાલે જ નહીં. 
              "લ્યો, આઆઆ... કરો તાણ.. ખોલો મુંઢું.."
              "ઈમ હાથ આડા કર્યે નઈ ચાલે હોં મે'મોન.. લેણ એટલે લેણ.. ટૂટ નો પડાય હોં.."
               "અલ્યા આટલી જવોનીમોં આ નઈ જેવડું લાડવું કોય ના કે'વાય ભલાઆદમી.. લ્યો તાણ, હાથ સેટા રાખજો તમે.."
               "મારાથી તો હવે નઈ ખવાય હોં હગા.... સોગનથી હવે નઈ.. જરીકેય નઈ.."
               "ઓ.. હો.. હો.. હરગોવનભઈ તમે..? અલ્યા મીં તો તમોન ભાળ્યા જ નોતા.. તમારે તો બે ખાવા જ પડસીં.."
               આમ છેલ્લા ફેરામાં મહેમાનોને આગ્રહ કરી કરીને લાડુ ખવડાવવામાં આવે. કેટલાકને સાચે જ પેટમાં જગ્યા ન હોય. છતાં ખાવું પડે. પછી અમળાયા કરે. કેટલાકને તો ખાવાની ઈચ્છા હોય જ. પરંતુ અમસ્તી જ ના પાડે. પછી અડધાની જગ્યાએ બે લાડવા ઝાપટી જાય. આગ્રહ કરવાવાળાને ક્યારેક સામેથી પણ ખાવું પડે. ત્યારે બરાબરની જામે. 
               પંગતમાં વહેલાં મોડા જે કોઈ જમી રહે તે રાહ જોઈને બેસે. અને લગભગ બધા સાથે જ ઊભા થાય. આ પણ પંગતની એક આગવી લાક્ષણિકતા હતી. ફાળિયાનો છેડો, પટકો, કે ખેસના છેડે હાથ મોં લૂછતા લૂછતા સૌ બહાર નીકળે. ત્યાં તો એઠાં વાસણ લેવાઈ જાય, સફાઈ થઈ જાય, અને ફરીથી વ્યવસ્થા થઈ જતાં બીજી પંગત શરૂ થાય. 
        *****************
                મિત્રો, આવી હતી પંગતની વાસ્તવિકતા. જેમાં ભાઈચારો, સહકાર, આત્મિયતા, પ્રેમ, આનંદ, આદર, સત્કાર, જેવી બાબતો વણાયેલી હતી. એકબીજાની સાથે બેસીને હોંશથી જમવાની જે મોજ હતી એનું વર્ણન જ ન થઈ શકે. 
             પંગત એટલે મહેમાનનું સન્માન અને આનંદ જાળવવાની પરંપરા. મહેમાન જમી ના રહે ત્યાં સુધી એને કોઈપણ વસ્તુ માટે ઊભા થવું ન પડે. દરેક વસ્તુ એના ભાણાં સુધી આપણે પહોંચાડવાની ભાવના જોડાયેલી હતી. કુટુંબ અને પડોશીઓનો સંપ કેટલો છે એનો ખ્યાલ પંગતમાં આવી જતો. 
              દરેક પંગતની આગવી વિશેષતા હતી. એનો અલગ માહોલ હતો. એની અલગ મજા હતી. પંગત એટલે મહેમાનોને હાથેથી જમાડીને પોતે જમ્યા જેટલો આનંદ લેવાનો અવસર હતો. પંગતનું જમણ જમનારને પણ પોતીકું લાગતું. 
              આજના "બુફે" યુગમાં "પંગત" એક ઈતિહાસ બની ગઈ છે. આજે જમણવારમાં જમવાની આઈટમો અનેકગણી વધી ગઈ છે, પરંતુ જમવાનો સંતોષ અને મજા ઘટી ગઈ છે. આવનારા સમયમાં "પંગત" હમેશાં હમેશાં માટે ઈતિહાસના પાનાઓમાં અદ્રશ્ય થઈ જાય તો નવાઈ નહીં. 
        "બૂફેનો જમાનો આવ્યો, નથી બેસતી હવે પંગત. 
        સંગતમાં તો હર કોઈ છે, પણ કોને કહવું અંગત..? "
                 મિત્રો, આપણે નસીબદાર છીએ કે પંગતનો પ્રેમ અને બુફેનું બખડજંતર બન્ને જોઈ-માણી શક્યા છીએ. ચાલો, જમાના પ્રમાણે બધું બરાબર છે. છતાં પંગત એ તો પંગત જ... 
               એક સમય હતો. મારૂં વતન કુણઘેર પણ પંગતોમાં પારવધું હતું. શું એ માહોલ હતો..  શું પાઘડીઓનું પોરષ હતું.. નાનાં, મોટાં, સ્ત્રી, પુરૂષો સૌનો કેવો ઉત્સાહ હતો.. શું લોકો હતા.. શું મારું વ્હાલું ગામડું હતું... વતનની એ યાદને પણ હૈયે વસાવી જીવવાની એક અલગ જ મજા છે..

Sunday, April 3, 2022

કુળ ની દેવી એટલે કુળદેવી

"કુળ ની દેવી એટલે કુળદેવી"

જો તમે કુળદેવીને માનતા હોય તો એક વાર જરૂર વાંચજો 

દરેક ના કુળ પ્રમાણે કુળ દેવી કે દેવતા હોય છે….

જેની અસીમ કૃપા થી તમારો પરિવાર સુખ, શાંતિ, અને સલામતી અનુભવતો હોય છે..

જે કદાચ તમે કરોડો રૂપિયા કમાતા લોકો ના ઘર મા નહીં જોઈ શકો, તેવું આધ્યાત્મિક તેજ અને સંતોષ તમારા પરિવાર મા જોવા મળશે..

અને આ એક સત્ય હકીકત છે…

વર્ષ મા એક વખત શક્ય હોય તો અવશ્ય કુળ દેવી કે કૂળ દેવતા ની મુલાકાત લો..

વર્ષ દરમ્યાન નો જીંદગી નો થાક ઉતરી ગયા નો અહેસાસ અવશ્ય થશે…

જીંદગી મા પડતી મુશ્કેલી અને આવનાર મુશ્કેલી માટે માર્ગદર્શક બની તમારી રક્ષા કરશે..

ખોટા નિર્ણય લેતા રોકશે, અને સાચા નિર્ણય માટે માર્ગદર્શક બની તમારી આગળ ચાલશે…

આ જે વ્યકતી ને એહસાસ અને અનુભવ થતો હોય તેના માટે છે..

આમા તાર્કિક દલીલ ને કોઈ સ્થાન નથી..

ઘણા લોકો કહે છે..
બધું નસીબ થી ચાલે છે…
અરે ભાઈ બધું નસીબ થી ચાલે છે..
તો બીમાર પડે છે તો હોસ્પીટલ મા કેમ જાય છે ?
મૂકી દે તારી જીંદગી ને નસીબ ના ભરોસે…

તેનું કારણ માઁ ની કૃપા જ હોય શકે…

દર્દી ના ઓપરેશન વખતે એનેસ્થેશિયા જે કામ કરે છે..

તે આ ભક્તો ના દુઃખ વખતે માઁ ની કૃપા કામ કરે છે..

તમને અસહ્ય પીડા થતી હોય તો સર્જન ઘરે ના આવે, તમારે હૉસ્પિટલ મા જવું પડે…

તેની જેમ અમુક જીંદગી ના દુઃખ એવા હોય છે..
જે ના કેહવાય ના સહેવાય તેવા હોય છે..

આવા સમયે એક જ ઉપાય…

કુળ દેવી નું શરણ…
તેથી તો તેને શક્તિપીઠ કહે છે..
નવી શક્તિ નો સંચાર અને નવા વિચારો નો પ્રારંભ….

ઘણા લોકો કહે છે..
કે સમય નથી, ઘણા લોકો કહે ઉંમર થઇ,…

અરે ભાઈ 365 દિવશ માથી બે દિવસ પણ તમે ખોટા કોઈ જગ્યા એ બગાડ્યા નથી ?

પેન્શન લેવા કે, બેન્ક મા TDS ના ફોર્મ ભરતી વખતે તમારા મા શક્તિ ક્યાંથી આવે છે..?
તમારી ધાર્મિક મુલાકાત ને ઉંમર ના બહાના નીચે દબાવી તો નથી દેતાને ?

ખરેખર અશક્ત, અપંગ હોય તયારે એ કૃપા તમારી મદદ કરવા ઘરે પણ આવે છે…

આપણા કુળ દેવી ને કુળ દેવતા આપણી ભાવ ભકિત નાં ભૂખ્યા છે તેમના મા શ્રદધા રાખીશું તે આપણા માટે સારી છે નહિ રાખીશું તો તેમને નુકસાન નહિ થાય...

બોડાણા હંમેશા ડાકોર થી દ્વારકા પૂનમ ભરતા પણ ઉંમર વધતા ભગવાનની માફી માંગી કે હવે મારા થી દ્વારકા નહીં અવાય તો ભગવાન સ્વયંમ ડાકોર મા આવી ગયા…

ભકતો ના પ્રેમ મા નિખલાશતા અને સચ્ચાઈ હોવી જોઈએ...

જે માઁ જગડુશા ના વહાણ ઉગારી શક્તી હોય..

જે પ્રભુ અર્જુન ના રથના સારથી બની શકતા હોય…

તેની કૃપા વિશે શંકા ના હોય..
કુળ દેવી, કૂળદેવતા
બધા ની ઈચ્છા પૂરી કરે..

જો તમે કુળદેવીને માનતા હોય તો આ મેસેજને શેર કરીને બીજા લોકોને એમનું મહત્વ જણાવજો જેનાથી બીજા લોકો માં પણ કુળદેવી અને કુળદેવતા પ્રત્યે શ્રદ્ધા વધશે અને નહિ હોય તો જાગૃત થશે...!!
 *ચૈત્રી નવરાત્રી ની હાર્દિક શુભકામનાં*🙏🙏